વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પદ્ય: એમ ઘેરાયું આભ - અંકિત ત્રિવેદી



માને પીયર ભાણો આવી અમથી કરે ટીખળ
એમ ઘેરાયું આભ છાંટાને ક્હે છે હવે નીકળ...
વ્હેણ નદીનું ગેલમાં આવી વકરે મારું રોયું
ખાબોચિયાએ મહિનાઓનું આજે મોઢું ધોયું
નળિયાંઓએ હાથઊછીનું રૂપ પોતાનું જોયું
રમેશ પારેખ કાગળ ઉપર વરસે આકળ-વિકળ
માને પીયર ભાણો આવી અમથી કરે ટીખળ...
રસ્તાઓને રોકી રાખે પાણીનો ટ્રાફિક
કામનું ભારણ હળવું કરે રોજની માથાઝીક
એના નામે સઘળું ચાલે રાખ્યા વગર બીક
ભીની સોડમ પોત પ્રકાશી સૌને સોંપે શિયળ...
એમ ઘેરાયું આભ છાંટાને ક્હે છે હવે નીકળ...


(પરબ : જૂન ૨૦૧૨)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.